બાળકો જુઠ્ઠું શા માટે બોલે છે?


બાળકોને પોતાની એક અલગ દુનિયા હોય છે. તેઓ એ દુનિયામાં રમતા હોય છે, નવા સપના જોતા હોય છે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે જે સામાન્ય સંજોગોમાં તેઓ નથી કરી શકતા હોતા. સામાન્ય રીતે દરેક મા-બાપ પોતાના બાળકોમાં સારી આદતો ચાહતા હોય છે પરંતુ આજુબાજુ ની સ્થિતિ અને વાતાવરણ અનુસંધાને બાળકો ઘણી બધી નવી નવી વસ્તુઓ પણ શીખતા હોય છે. જેમાંની એક વસ્તુ હોય છે જુઠ્ઠું બોલવાની આદત. એવું જરૂરી નથી કે બાળક દર વખતે કોઇક ઇરાદાથી જુઠ્ઠું બોલતું હોય. ઘણીવાર તેઓ એમ જ જુઠ્ઠું બોલતા હોય છે. તેઓ મસ્તી કરતા હોય છે કે સામી વ્યક્તિને સાચી ખબર પડે છે કે નહીં અને એટલા માટે જુઠ્ઠું બોલતા હોય છે આ એક એવો નિર્દોષ આનંદ હોય છે જે તેઓ માણવાનું પસંદ કરતા હોય છે.

બાળકો જુઠ્ઠું બોલવાનું શીખે છે ક્યાંથી?

સામાન્ય સંજોગોમાં બાળકો પર આજુબાજુનું વાતાવરણ વધુ પ્રભાવક રહે છે. એની સાથે સંપર્કમાં આવનાર કોઇ પણ  વ્યક્તિ જો જુઠ્ઠું બોલતી હોય તો બાળક માં આ આદત પડવી સ્વાભાવિક છે.

મોટા ભાઈ બેન, મમ્મી પપ્પા, કે અન્ય પરિવારજનો જુઠ્ઠું બોલતા હોય તો બાળક તેમાંથી શીખે છે. તે તેની સાથે ભણનારા અન્ય બાળકો, શિક્ષકો તેમજ પડોશીઓ પાસેથી પણ આવી આદત શીખે છે. નાના બાળકો માં જુઠ્ઠું બોલવા માટે કોઈ ખાસ કારણ નથી હોતા પણ અમુક કિસ્સામાં તે સ્વ-બચાવ માં કે અન્ય ભૂલને છુપાવવા માટે જુઠ્ઠું બોલતા હોય છે.

આવો જાણીએ અમુક કારણો કે જેને કારણે બાળક જુઠ્ઠું બોલે છે.
- ડરથી: ઘણીવાર મા-બાપની બાળક પાસેથી વધુ અપેક્ષા હોય છે અને બાળક તે અપેક્ષા પૂરી કરવામાં સફળ થતું નથી. ત્યારે તે ડરી જાય છે અને તેથી તે વિવિધ કારણોને જવાબદાર ઠેરવીને જુઠ્ઠું બોલે છે.

- મારથી બચવા: ઘણીવાર બાળકોને મા-બાપ નાની નાની વાતમાં પણ મારતા હોય છે. બાળકને આ સ્થિતિ પસંદ નથી આવતી. તે મારની પરિસ્થિતિથી બચવા માટે જુઠ નો સહારો લે છે અને કોશિશ કરે છે કે તેનું જૂઠ પણ સાચું માની લેવામાં આવે.

પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા: જે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય તે હંમેશા ચાહતા હોય છે કે તેને અગત્યતા મળે. બાળકમાં કોઈ અસાધારણ પ્રતિભા ન હોવાથી તે અન્યની સરખામણીમાં પોતાની જાતને નાનમ અનુભવે છે. તે ચાહતું હોય છે કે તેનું પરિવાર તેને પણ અગત્યતા આપે પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે બાળક જુઠ્ઠું બોલીને પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા ચાહે છે અને આ ચાહત તેને ધીરે ધીરે જૂઠ્ઠું બોલવાની આદત તરફ દોરી જાય છે.

અન્ય પર ભરોસો ન હોય ત્યારે: સામાન્ય રીતે બાળક બધા ઉપર ભરોસો કરી લીધું હોય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ તેનો ભરોસો તોડે છે ત્યારે ફરીથી ભરોસો કરી શકતું નથી હોતું. ખાસ કરીને પરિવારમાં આવી પરિસ્થિતિ નો ઉદ્ભવ થતો હોય છે. મા બાપ તેને કોઇ પ્રોમિસ આપીને પછી તોડી નાખે ત્યારે બાળક જૂઠ્ઠું બોલતું હોય છે.

જ્યારે ઘરમાં જુઠ નું વાતાવરણ હોય: બાળક સૌથી વધુ વસ્તુઓ તેના પરિવાર પાસેથી અને ઘરમાંથી જ શીખે છે, જો ઘરના સભ્યો જુઠ્ઠું  બોલતા હોય તો સ્વાભાવિક રીતે બાળક પણ જુઠ્ઠું બોલતા શીખે છે. ઘણીવાર તેના જૂઠને કારણે તેને ફાયદો થતો હોય છે અને તેથી તે ફાયદો વારંવાર મળે એ લાલચથી પણ બાળક જૂઠ્ઠું બોલે છે.

માનસિક બીમારી: ઘણા બાળકો માં જૂઠ્ઠું બોલવાની માનસિક બીમારી હોય છે. નિષ્ણાતો અનુસાર એડીએચડી અને કંડક્ટ ડિસઓર્ડર ના કારણે બાળક જુઠ્ઠું બોલતું હોય છે. આવી સ્થિતિમાં બાળકને નિષ્ણાત પાસે લઇ જઇ ચિકિત્સા કરાવવી જરૂરી હોય છે.

બાળકને  જુઠ્ઠું બોલતા કેમ રોકવું?

સામાન્ય રીતે બાળક મોટુ થવાની સાથે તેની આ આદત છૂટી જતી હોય છે પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો આ આદત વધી પણ શકે છે માટે જરૂરી છે કે મા-બાપને જ્યારે બાળક જૂઠ્ઠું બોલે છે ખબર પડે ત્યારથી તેના પર ધ્યાન આપવામાં આવે. અહીં અમુક ટિપ્સ આપેલી છે જે આવા મા-બાપને બાળકની જુઠ્ઠું બોલવાની આદતથી મુક્ત કરી શકે છે.

બાળક ને મહત્વ આપો: બાળક એ મા-બાપની મહત્વાકાંક્ષા સંતોષવાનું સાધન નથી. દરેક બાળકની અલગ-અલગ ક્ષમતા અને વ્યક્તિત્વ હોય છે જે માં-બાપે સમજવું જોઈએ. તેથી દરેક મા-બાપે પોતાના બાળકને મહત્વ આપવું જોઈએ કે જેથી તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય.

જુઠ્ઠું બોલવાથી રોકો: જ્યારે મા-બાપને ખબર પડે કે બાળક જુઠ્ઠું બોલે છે ત્યારે તેને તરત રોકવું જોઈએ. તેને પ્રેમથી સમજાવવું જોઈએ કે આ  ખોટું છે, ખરાબ આદત છે અને જુઠ્ઠું બોલનાર પર કોઈ વિશ્વાસ કરતું નથી. તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી સત્ય જાણવું જોઈએ અને ત્યારબાદ તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે સાચું બોલશે તો તે તમને વધારે ગમશે. જેથી બાળક જુઠ્ઠું બોલવાની આદત છોડી દેશે. 

ઘરમાં જુઠ્ઠું ના બોલો: બાળકના પહેલાં શિક્ષક તેનાં માબાપ હોય છે અને તે તેમની પાસેથી સૌથી વધારે બાબતો શીખતું હોય છે. જો માબાપને જુઠ્ઠું બોલવાની આદત હોય તો સ્વાભાવિક રીતે બાળકમાં આવે. તેથી જરૂરી છે કે મા-બાપ બાળકની સામે જુઠ્ઠું ન બોલે.

તેની બાબતોને ધ્યાનથી સાંભળો: બાળક જ્યારે વાત કરતું હોય ત્યારે માબાપે તેને શાંતિથી અને ધ્યાનથી સાંભળવું જોઈએ. જેથી તેને એ વાત નું ધ્યાન આવે છે કે તે પણ ઘરનો અગત્યનો ભાગ છે. તેની જવાબદારી સમજતા જ બાળક જુઠ્ઠું બોલવાનું છોડી દેશે.

બાળકને મારો કે ડરાવો નહિ: જો બાળક તમારાથી ડરશે તો તે કદી સાચું નહિ બોલે. તેથી જરૂરી છે કે તેને મારવું કે ડરાવવું ન જોઈએ જેથી તે આસાનીથી સત્ય બોલી શકે.
 To Top ↑